Master strok by jay vasavada

જય_વસાવડા

આ એ જ વાનરવેજા છે ,
જે હજુ હમણાં થોડાક અઠવાડિયા પહેલા કોઈ પણ ભોગે …
યુદ્ધ….!! યુદ્ધ…..!!!
ના પડકારા કરવા શૂરીપૂરી હતી ! ત્યારે તો આ અક્કલના દુશ્મનો.. ગાઈવગાડીને કહેતા હતા કે ભલે ગમે તે થઇ જાય, ..

ન્યુક્લીઅર વોર ફાટી નીકળે
પણ બસ લડી જ લેવું છે.
ઠાલું થૂંક ઉડાડતી મેસેજ ફોરવર્ડિયા રાષ્ટ્રભક્તિ !
આટલામાં ફીણ આવી ગયા ને બોકાસા નીકળી ગયા તો બૂડથલો કયા મોઢે યુદ્ધના નારા ઠોકતા હતા ?
બન્કરમાં રહેવું પડે અને એર સ્ટ્રાઈક થાય તો સાત દી’ લગી ફૂડ પેકેટ ય નાં મળે. છાણ છે નહિ…. લાઈનમાં ઉભા રહેવાનું કરન્સી એક્સચેન્જ માટે …
તો યુદ્ધમાં તો જખમ થાય. ઘર તૂટે, લાશો પડે. સરનામાં વીંખાઈ જાય. મોંઘવારી થાય તો ય વસ્તુ ના મળે, વીજળી ને વેપાર ઠપ્પ થઇ જાય.
પેલા ચાઇનીઝ રાજદ્વારીએ કડવું, પણ સાચું કહેલું કે ભારતની જનતા બહિષ્કારની વાતું જ કરે છે, બાકી રૂપિયા બચાવવાની વાત આવે ત્યાં દેશ બાજુએ મુકીને બેસી જાય એવી છે
એટલે અમે એને સિરિયસલી લેતા જ નથી.
હમણાં કો’ક ખાનનું નિવેદન આવ્યું હોત કે અશ્લીલ પોસ્ટર જોયું હોત કે પ્રેમી પંખીડાને પરેશાન કરવાના હોત તો ચિત્રો કે થીએટરના કાચ કે ચિત્રો -પુસ્તકો તોડવાના હોત તો ટોળું પેંતરા કરતું સીનસપાટા કરવા પહોંચી ગયું હોત. સાવ ફાલતુ
મુદ્દે ઠેકડા મારનારાઓના ખરા અર્થમાં પાયાનું પરાક્રમ બતાવવા માટે સાવ નાનકડું તપ કરવાનું છે, ત્યાં વાઇસર ટાઈટ થઇ જાય છે.
શેરીઓ તો સ્વચ્છ નથી કરતા કોડાવ,
ખાતું તો સ્વચ્છ કરો પોતાનું.
બધી વાતમાં જૂની કુટેવ છોડવાની વાત આવે એટલે ભેંકડા તાણીને રીડિયારમણ કરવાનું ?
ફટ છે ભૂંડાવ.
સારા નથી લાગતા.

માંડ પ્રોજેક્ટને બદલે પોલિસીની દિશામાં એક સારો નિર્ણય આવ્યો છે
આપણા હોતી હૈ ચલતી હૈ, આગુ સે ચલી આતી હૈના દેશમાં.
એને વધાવશું તો જ બીજા આવા અનેક જરૂરી નિર્ણયોની ચેઈન બનવા માટે સીસ્ટમ પર પ્રેશર અને પ્રેરણા બંને આવશે.
ગુમાવવાનું કેવળ ચોરટાઓએ જ છે.
અને ઉપરથી ધાર્મિક દેખાતો આ દેશ મૂળ તો પૈસાને પરમેશ્વર માનનારો છે એ દંભ ઉઘાડો પડી રહ્યો છે,
એ ય સારું છે. પૈસાની વાત આવી તો પ્રેયસીથી પાકિસ્તાન, પરમાત્માથી પાનસોપારી બધું ભૂલીને આ કહેવાતા સદાચારી જીવડાં રઘવાયા થઈને ઉધામા કરવા લાગ્યા છે !
પણ આપણે પોતાની જ લાચારી પર હસતાંહસતાં, સેલ્ફ જોક બનાવતા બનાવતા પણ સેટિંગ ફિક્સિંગને બદલે આ પરિવર્તનને એટલો ને એવો પ્રેમ કરીએ કે ઉપર બેઠેલાઓ ભારતવર્ષનો નવતર પારદર્શક આધુનિક મિજાજ પારખીને એક એક કડીમાંથી આખી હારમાળા રચવા મજબૂર થઇ જાય

નવનિર્માણની ! લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યાં મોં ધોવા ન જવાય.

કૃષ્ણે સફાઈ માટે કુરુક્ષેત્ર અને યાદવાસ્થળી જોવી પડેલી. આપણે તો કશું ભોગવવાનું નથી આવ્યું.
તો અસલી રામરાજ્ય વખતે મંથરા કે પેલા અયોધ્યાના ધોબી ( આ એ અળવીતરાં નાગરિક માટે સ્વભાવગત કોમેન્ટ છે, caste or gender based નહી ) ન બનીએ.
આપણી આદતો અને વિચારોનું વાયરિંગ બદલાવી ટોળાંમાથી નાગરિક બનીએ.
નવેસરથી પ્રામાણિક શિસ્ત કેળવીએ હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને.
અધિકારી કે નેતા, ભ્રષ્ટ માનસિકતાની જ પેદાશ છે. આવી સહેલાઇથી સ્વરાજ ઘડવાની તક વારંવાર નથી આવતી.
પેલા જીવતેજીવ પોતડીમાં નોટનું ખિસ્સું જ ના રાખનારા બાપુ આજકાલ બહુ ગુલાબી બનીને મલકાઈ રહ્યા હોય એવું લાગે છે.

IN FREEDOM OF THAT HEAVEN, LET MY COUNTRY AWAKE !

~ જય વસાવડા